બીજો ભાગ, “મારો પ્રેમ અને તારી વાર્તા”

Spread the love

પાછળના લેખમાં જાણ્યું કે પૂજને સાહસ કરીને દિશા સામે પ્રેમુલ્ટી(પ્રેમની ઉલટી) કરી ,
“વિલ યૂ મેરી મી?
દિશાએ એટલા જ સાહસથી જવાબ વાળીને પૂજનનું દિલ ખંખેર્યુ. ખંખેર્યુ એટલા માટે કેમકે હજુ તોડ્યું નહોતું. પૂજન પાસે હજુ પણ દિશાના દીલને પીગળાવવાની તક હતી. દિશાની કોલેજ ફ્રેન્ડ સંધ્યાના ઘરે પાર્ટીનું આયોજન થયેલું હતું. પૂજન દિશાના ફ્રેન્ડ તરીકે અનામંત્રિત જગ્યાએ હાજરી પુરાવવા આવેલો હતો. અહીં મોટા ભાગે છોકરીઓનો જમાવડો હતો. ત્રીસ જણને આમંત્રણ હતું એમાથી સત્તર છોકરીઓ,આઠ છોકરા અને એક અનામંત્રિત પૂજન હતો. દિશાએ પાર્ટીમાં પ્રવેશ કર્યો ત્યારથી જ પૂજન દિશાના દરેક ફ્રેન્ડને ગર્મજોશી પૂર્વક મળી રહ્યો હતો. કોઈ કોઈ ઉત્સાહી ફ્રેન્ડ દિશાને તો હગ કરતી જ હતી પણ સાથે સાથે પૂજનને પણ નહોતી છોડતી. પૂજનને થોડુક ઓકવર્ડ લાગી રહ્યું હતું પણ મન મજા કરી રહ્યું હતું. બીજી બાજુ દિશાએ ત્રણચાર વાર ઇગ્નોર કરવાનો પ્રયત્ન કર્યો પણ જ્યારે ખુશીએ આવીને દિશાના પણ પહેલા પૂજનને હગ કર્યું ત્યારે તો એનાથી ના જ રહેવાયું.
“ફ્રેન્ડ મારી છે કે એની?” એનું ધડક્તું હ્રદય બોલ્યું. “હશે, એતો આમેય ચાલુ છોકરી છે”. તરત જ મનાવી પણ લીધું.
“હાય દિશા, હાઉ આર યુ? આઈ થોટ તું નહીં આવે. યુ નો સંધ્યાએ શરત લગાવી હતી કે મારા ઘરે પાર્ટી છે તો દિશા તો આવશે આવશે ને આવશે જ”.
દિશા કશુક બોલવાનો પ્રયત્ન કરે એ પહેલા જ,
“લૂક એટ માય ડ્રેસ.ટ્વેલવ હંડ્રેડ ડોલર યુ નો,ડેડ બ્રોટ ઈટ ફોર મી ફ્રોમ યુ.એસ.”
“નાઇસ ડ્રેસ” દિશાએ ટૂંકમાં પતાવ્યું.પણ ખુશી, ખુશી કઈ આટલેથી અટકે એવી નહોતી એણે તો પૂજન પાસે જઈને કંટીન્યુ જ કર્યું,
“સો યંગ મેન, ડુ યુ લાઈક માય ડ્રેસ?”
“યસ, યુ લુક બ્યુટીફુલ ઇન ઈટ”. પૂજને એક નજર ફેરવતા કહ્યું. પછી શું, પૂજનને એક એક્સ્ટ્રા હગ મળ્યું. દિશા પૂજન અને ખુશીને એકલા છોડીને આગળ વધી. લગભગ બધા જ ફ્રેંડ્સ ને મળ્યા પછી પાછળ વાળીને જોયું તો પૂજન અને ખુશી એક બીજાના હાથમાં હાથ નાખીને આછા અજવાળામાં સુમધુર સંવાદ કરી રહ્યા હતા. પહેલી નજરે દિશા ઊભીને ઊભી સળગી ઉઠી,પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો,
“એણે તો પ્રપોઝ કર્યો હતો,આપણે જ સામેથી ના પાડી હતી”.
“અરે હા, પણ એનો મતલબ એવો તો નથી જ ને કે રસ્તે ચાલતા કોઈ પણ છોકરી મળી તો એની સાથે જોડાઈ જવાનું?”
“પણ ખુશી કઈ રસ્તે ચાલતી છોકરી થોડી છે, એ તો ફ્રેન્ડ છે તારી”
“હા એટ્લે શું મારી જ સાથે આવીને મારીજ ફ્રેન્ડને પટાવવાની એવું? માણસમાં થોડીક તો કર્ટસી હોય કે ના હોય?”
“પણ તું એને એકલો અજાણી છોકરી સાથે મૂકીને જાય તો વાત તો આગળ વધવાની જ ને?”
“છોડ હવે,ખરેખર તો મે જ ભૂલ કરી છે.”
“હા,તે ભૂલ તો ચોક્કસ કરી જ છે.”
“એટ્લે? તું કહેવા શું માંગે છે? શું ભૂલ કરી છે મે? હેં ? લૂક,મે જે કર્યું એ બરાબર જ કર્યું છે.”
“શું બરાબર કર્યું છે? મે ક્યાં કશું કહ્યું? તું જ બધુ બોલે જાય છે.”
“અરે પણ… તું જો તો ખરી. એ કેવો પેલીને ચોટીને..”
“તું શું કામ એ બાજુ જુએ છે? તારે શું છે? એનું જીવન એ ગમે તે કરે તારે શું?”
“યસ, આઈ ફરગોટ. મને શું? એનું જીવન છે એ ગમે તે કરે.”

માત્ર ત્રીસ સેકંડમાં ધડાધડ સવાલ જવાબ એના મગજમાં ઉમટી પડ્યા. આખરે એણે વોશરૂમમાં જઈને જ શ્વાસ લીધો. ફ્રેશ થઈને ફેસવોશથી મોઢું ધોયું.જાણે એમ કરવાથી એની અંદર છુપાયેલું મન એને પ્રશ્નો કરવાનું છોડી દેશે.બીજી બાજુ પૂજન હજુયે માત્ર મન મજા કરતું હતું એટ્લે જ ખુશી સાથે બેઠો હતો. બાકી દિલ હજુયે દિશાને જ શોધતું હતું. એને થયું કે ખુશીનો હાથ બાજુ પર મૂકીને દિશા પાસે જતો રહું. પણ ના,જો એ એમ કરતો તો પછી એને નોટિસ કોણ કરતું. હમણાં દિશાના આવા અસ્વસ્થ વર્તન અને ખુશીના નવા પ્રેમી તરીકે એ પાર્ટીનો મધ્યસ્થ બનીને ચર્ચાઇ રહ્યો હતો. ત્યાં હાજર બાકીના ઓગણત્રીસ જણ અમુક ચોક્કસ સેકન્ડ પછી આ બંને પર નજર જરૂર નાખી લેતા હતા. પૂજન મલકાતા મન સાથે અને રાહ જોતાં દિલ સાથે સંકોચાઈને બેઠો હતો. હમણાં દિશા આવશે અને એને દિશા બતાવશે એની રાહમાં…to be continued.
લેખક – રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.