પાંચમો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા”

Spread the love

પાંચમો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા”
આગળ જાણ્યું કે દિશા ત્રણ દિશામાં જોઈ રહી હતી. બારીની બહાર બાસ્કેટબોલ રમતો પૂજન, ક્લાસમાં સુપરવિઝન કરતા કાર્તિક સર, અને હાથ નીચે લખાઉં લખાઉં કરી રહેલી એની વાર્તા. કારણ ગમે એ હોય પણ સ્ટોરી રાઇટિંગની સ્પર્ધાની વિજેતા છેલ્લે દિશા જ રહી. બનવા કાળ બન્યું પણ એવું જ કે માત્ર સ્ટોરી રાઇટિંગમાં જ આ કોલેજ વિજેતા બની. જેથી કરીને કાર્તિક સર અને દિશા એ કોલેજના પ્રિન્સિપાલની નજરમાં બેસી ગયા.
“દિશા વિજેતા બની એના ટેલેન્ટ ને કારણે પણ કાર્તિક સરના સપોર્ટ વગર આ શક્ય ન બન્યું હોત”. એવું એ માનતા.
એપ્રિલ મહિનામાં યુથ ફેસ્ટિવલ પૂરો થયો. ત્યાર બાદ મે અને જૂન, નવા વરસની શરૂઆત. દિશા અને પૂજન બંને કોલેજના બીજા અને અંતિમ વરસમાં પ્રવેશ કરી ચુક્યા હતા. આવનાર વરસ માટે બે ગોલ ડીસાઈડ થયા. પૂજન અને કાર્તિક સરનો એક જ ગોલ, વરસના અંત સુધીમાં દિશાને પામવી. અને દિશાનો અલગ ગોલ, વરસના અંતસુધીમાં વાર્તા સંગ્રહનું વિમોચન. છેલ્લું વરસ એટલે ભણવાનો પણ ખૂબ જ લોડ. છતાં આ બધો જ લોડ બાજુમાં મૂકીને પણ દિશા અને પૂજન એકબીજાને મળવાનું નહોતા ચુકતા. આમ ઘણો તો બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા જ હતા. માત્ર ફરક એટલો કે કબુલ નહોતા કરતા. એ પણ કદાચ થઈ જાત પેલી રાત્રે.જ્યારે દિશા પોતાનું લેપટોપ ખરાબ હોવાથી પૂજનના ઘરે પ્રોજેકટ બનાવવા આવેલી. સંજોગોવસાત પૂજનના મમ્મી પપ્પા ગામડે કોઈ પ્રસંગવશ ગયેલા.
“તું એક કામ કર. જમ્યા વગર જ આવજે. ઘરે જ કંઇક કરીશું”. દિશા એ એના લેપટોપનો પ્રોબ્લેમ પૂજનને બતાવ્યો ત્યારે પૂજને કહેલું.
દિશા સામાન્ય રીતે સાધારણ મેકઅપ સાથે જ બહાર નીકળતી હોય છે. આજે બહાર ઝરમર ઝરમર વરસાદ હતો. દિશા બ્લેક કલરનું અડધું ભીનું ટોપ અને બ્લ્યુ કલરના અડધા ભીના જીન્સ સાથે પૂજનના ઘરની ડોરબેલ વગાડી રહી છે. પૂજન નોર્મલ ઘરે પહેર્યા હોય એ જ ટ્રેક ટીશર્ટમાં દરવાજો ખોલે છે.
“શું બહાનું બનાવીને આવી?” ઘરમાં ઘુસતા જ પૂજને પ્રશ્ન માર્યો.
“અરે યાર તું પૂછ જ નહીં. મમ્મીએ મહામહેનતે ઘરેથી નીકળવાની પરમીશન આપી છે. ક્યારે આવીશ, કોની જોડે જાય છે, કેમ જાય છે, શુ થયું તારા લેપટોપ ને.યાર એટલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડ્યા ને કે ના પૂછો વાત. એની વે છોડ એ બધું, તું કે મને હવે ડીનરનો શુ પ્લાન છે?” દિશા એ અંદર આવતા ડાબીબાજુ સોફા પર બેગ પછાડતા અને થોડીક કમ્ફર્ટેબલ થતા થતા બોલી નાખ્યું.
“શું પ્લાન છે એટલે? મને શું ખબર? તને કંઇક તો આવડતું હશે ને બનાવતા?”પૂજન એ આશ્ચર્ય સાથે પૂછ્યું.
“વૉટ? મિન્સ કે જમવાનું હજુ બનાવવાનું છે એમ?” દિશા પૂજન કરતા પણ વધુ આશ્ચર્યમાં.
“હાસ્તો, તને શુ લાગ્યું મેં બનાવીને રાખ્યું હશે એમ?”
“નઈ યાર મને એમ કે તે કંઇક તો તૈયારી કરીને રાખી હશે એમ”. દિશા સોફા પર પછડાતા બોલી.
“હવે કરીશું ને યાર. તું ચિંતા શુ કામ કરે છે. બોલ તને શું શું બનાવતા આવડે છે? એમાંથી જ કંઈક સિલેક્ટ કરીએ” પૂજને થોડીક બાજી સંભાળતા કીધું.
થોડીક રકઝક પછી આખરે વરસાદી મોસમને જોતા ભજીયા અને ચટણી પર પસંદગી ઉતરી. પૂજન એક પછી એક કરીને દિશાને જે જોઈએ એ સમાન ઉપરથી ઉતારીને આપવા લાગ્યો. ડુંગળી -મરચા સમારકામ પૂજનના ભાગે આવ્યું. થોડીક વારમાં જ ભજીયા ઉતરવાના ચાલુ થઈ ગયા. દિશા તેનું ઘર ના હોવાથી અને થોડીક ભીની હોવાથી અનકમ્ફર્ટેબલ ફિલ કરી રહી હતું.
“ઇફ યુ ડોન્ટ માઈન્ડ યુ કેન વેર માય શોર્ટ્સ ઓર સમથિંગ. યુ વિલ ફિલ મોર કન્ફરટેબલ”. પૂજને પરિસ્થિતિનો તાગ મેળવતા કહ્યું.
“નો નો ઇટ્સ ઓકે” દિશાને થોડુંક વધુ અજુગતું લાગ્યું.
પૂજન એનું કામ પતી ગયું હોય એમ હૉલમાં આવીને ટીવી પર બેઠો.
“પૂજન….?” દિશાએ રસોડામાંથી બમ પાડી. “ચટણી ક્યાં છે??”
“ઓહ શીટ્ટ, એતો લાવવાની જ છે”. પૂજનને એકદમ જ યાદ આવ્યું. “તું બે મિનિટ રાહ જો હું હમણાં જ લઈને આવ્યો” પૂજન ભાગ્યો.
દિશા ભજીયા બનાવીને હૉલમાં આવીને બેઠી. બરાબર એ જ સમયે ટી.વી પર “સુરજ હુઆ મધધમ” આવી રહ્યું હતું.દિશાએ ચેનલ બદલવાની તસ્દી ના લીધી. એને ગમી રહ્યું હતું. ગીત હજુ ચાલી જ રહ્યું હતું કે પૂજન બહારની જ દુકાનથી ગ્રીનચીલી સોસ લઈને એન્ટર થયો. રૂમમાં શાહરુખ કાજોલ નો રોમાન્સ ફરી વાળ્યો હતો. પૂજન ગ્રીન ચીલી સોસ લઈને હૉલમાં જ બેસી ગયો. ગીત પૂરું થયું ત્યારે જ બન્ને ને યાદ આવ્યું કે હજુ ભજીયા ખાવાના બાકી છે. દિશાને પરસેવો વળી રહ્યો હતો. પૂજન રસોડામાંથી ભજીયા અને ચટણી એક પ્લેટમાં કાઢીને લઇ આવ્યો.
“અમમમમમમ વાહ… મજા પડી ગઈ આજે તો”. પૂજન એક ભજીયું ટેસ્ટ કરતા જ બોલ્યો.
“સાચું બોલજે હા,કંઈક ઓછું વધતું પણ હોઈ શકે છે. હું ઘરે જનરલી આવું કંઈ બનાવતી નથી”. દિશા પાણી પહેલા જ પાળ બાંધતા બોલી.
“ના રે. સાચે જ બઉ જ મસ્ત બન્યા છે.” પૂજન વધુ આત્મવિશ્વાસ સાથે ભજીયા ચટણીમાં બોળતા બોલ્યો.
બંનેની ભજીયા પાર્ટી લગભગ વાતો કરતા કરતા અડધો કલાક ચાલી. ઘડિયાળમાં કાંટો 11 ને અડી રહ્યો હતો. દિશા તેનું લેપટોપ ખરાબ હોવાથી અહીંયા પૂજનના લેપટોપ પર પ્રોજેકટ બનાવવા આવી હતી. અને અહીંયા..ક્રમશ.
લેખક – રોહિત પ્રજાપતિ
પ્રતિભાવ આવકાર્ય
@rhtprajapati92@gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.